રાહત / અંશકાલીન કર્મચારી આનંદો, ફિક્સ વેતને વર્ગ-4માં નોકરીમાં કરાશે સમાવેશ
રાજ્યમાં અંશકાલીન કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી રાજ્યના અંશકાલીન કર્મચારીઓને ફિક્સ વેતને વર્ગ 4માં નોકરીમાં રખાશે. નિવૃત્ત ન થયા હોવા તેવા કર્મચાકીઓને 14500ના ફિક્સ પગારે સરકારી સેવામાં પરત લેવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર: ગુજરાતમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓને છેવટે ગુજરાત સરકારે ફિક્સ વેતનથી વર્ગ-4ની નોકરીમાં સમાવવા માટે નિર્ણય લીધો છે. આ કાર્યવાહી માત્ર એક જ સપ્તાહમાં પૂર્ણ કરવા માટે નાણા વિભાગે તમામ વિભાગો, કર્મચારીઓના વડાઓને આદેશ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર એક સમયે આ કર્મચારીઓને 110 અને 220 રૂપિયા દૈનિક હાજરી આપવામાં આવતી હતી. જેના સ્થાને હવે આ અંશકાલીન કર્મચારીઓને 14,500 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે. છ વર્ષ પૂર્વે 25 એપ્રિલ 2012ના રોજ સરકારી વિભાગો, કચેરીઓમાં ફરજ બજાવતા સેંકડો અંશકાલિન કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જે મામલે કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
હાઈકોર્ટે 2018માં આ કર્મચારીઓને વર્ગ-4ના કર્મચારીને મળવાપાત્ર લઘુત્તમ પે સ્કેલનો પગાર 1 જાન્યુઆરી 2019થી આપવા આદેશ કર્યો હતો. સરકારે આ ચુકાદાને અમલી ન કરતાં કર્મચારીઓએ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન કરી હતી.
કોર્ટે 8 જુલાઈએ 2018ના ચુકાદાનો તત્કાલ અમલ કરવા આદેશ કર્યો હતો. જેથી હવે નાણા વિભાગે પરિપત્ર બહાર પાડીને આ કર્મચારીઓને વર્ગ-4ના પે સ્કેલ મુજબ પગાર આપવા નિર્ણય કર્યો છે. જેમાં વય નિવૃત્તિની મર્યાદા ન વટાવી હોય તેવા કર્મચારીઓને સેવામાં પરત લેવા પણ આદેશ કર્યો છે.
No comments:
Post a Comment